ડેરી ફાર્મ કેવી રીતે શરૂ કરવું? –ઓછી મૂડીમાં વધુ નફાવાળો ધંધો
શુ તમે ગામડે રહો છો અને બેરોજગાર છો?, તો ડેરી ફાર્મિંગ એક ખુબ જ સારો અને લાંબા સમય સુધી કમાણી આપતો વ્યવસાય છે. વળી, ડેરી ફાર્મિંગ ઓછા રોકાણમાં રોકાણની સાપેક્ષે બમણો નફો રળી આપતો ધંધો છે. આજના સમયમાં દૂધ અને દૂધમાથી બનતી વસ્તુઓની માંગ સતત વધી રહી છે, એટલે યોગ્ય આયોજન અને સંભાળ સાથે ડેરી ફાર્મ શરૂ કરવાથી દર મહિને સારો નફો મેળવી શકાય છે. જો તમે ડેરી ફાર્મિંગ કેવી રીતે શરૂ કરવું? તેની માહિતી મેળવવા ઈચ્છો છો તો આ લેખ તમને મદદરૂપ થશે.
ડેરી ફાર્મ શરૂ કરતા પહેલા આ તૈયારીઓ કરી લો.
ડેરી ફાર્મિંગ શરૂ કરતાં પહેલાં તમારા માટે ડેરી ફર્મિંગનું યોગ્ય બિઝનેસ મોડેલ પસંદ કરો. અનુભવ અને રોકાણના આધારે ડેરી ફાર્મિંગ 3 બિઝનેસ મોડેલમાં વહેંચી શકાય.
1. નાનું ઘરગથ્થું ડેરી ફાર્મ (2થી5 પશુ માટે)
ઘરગથ્થું કે નાના ડેરી ફાર્મની શરૂઆત 2 થી 5 પશુઓથી કરી શકાય છે. જો તમારી પાસે રોકાણ ખૂબ જ ઓછું છે અથવા પશુપાલનનો અનુભવ નથી તો આ મોડેલ તમારા માટે યોગ્ય રહેશે. હું તમને શરૂઆત 2 પશુથી જ કરવાની સલાહ આપું છું.

જો 2 પશુઓથી તમે ડેરી ફાર્મ શરૂ કરો છો તો શરૂઆતમાં મોટા શેડ અને અન્ય કોઈ મશીનરી ની જરૂર પડતી નથી. ઉપરાંત ઘરના સભ્યો જ 2 પશુઓની સંભાળ આરામથી રાખી શકે છે જેથી મજૂર નો ખર્ચ થતો નથી. ઉત્પાદન થતું દૂધ નજીકની ડેરી કે સીધું ગ્રાહકોને વેચી પૂરક આવક મેળવી શકાય છે અને તમને જેમ અનુભવ થતો જાય તેમ તમે વધુ પશુઓ રાખી શકો છો.
2. મધ્યમ ડેરી ફાર્મ (5થી10 પશુ માટે)
જો તમારી પાસે પશુપાલનની પ્રાથમિક માહિતી હોય અથવા તમે નાનું ડેરી ફાર્મ પહેલેથી ચલાવો છો અને હવે તમારી પાસે રોકાણની ક્ષમતા છે તો તમે આ મોડેલનો તબેલો સ્થાપિત કરી શકો છો.

આ ડેરી ફાર્મ શરૂ કરવા માટે તમારી પાસે પશુ દીઠ 10×10 ફુટ મુજબ કેટલશેડ હોવો જોઈએ ઉપરાંત જો તમે 10 પશુ રાખો છો તો હવે 2 કુશળ માણસોની પણ જરૂર પડશે, ડેરી ફાર્મ પર કામ ઝડપી અને સરળ બનાવવા માટે ચાફ કટર, મિલ્કિંગ મશીન વસાવવા પડશે. આ પ્રકારના ડેરી ફાર્મમાં ઉત્પાદિત દુધને તમે સિધુ ડેરિમા ભરી શકો છો અથવા હોટેલ, રેસ્ટોરન્ટમાં સપ્લાય કરી શકો છો અને સારી આવક મેળવી શકો છો.
3. મોટા પાયે આધુનિક/ઓટોમેટિક ડેરી ફાર્મ
જો તમારી પાસે મોટું રોકાણ, પશુપાલનનો પૂરો અનુભવ, ઘાસચારા ઉત્પાદન માટે જમીન અને લાંબા ગાળાનું આયોજન હોય તો ડેરી ફાર્મિંગનું આ મોડેલ ખૂબ જ નફાકારક સાબિત થાય છે.

આધુનિક અને મોટાપાયે ડેરી ફાર્મિંગ શરૂ કરવા માટે તમારી પાસે હાઈટેક શેડ કે જેમાં ઓટોમેટિક 24 કલાક પાણીની સુવિધા, ચારો નાખવા ટ્રોલી, ગોબર સાફ કરવા પ્રેશર વોશર, ગાયોને નવડાવવાની સુવિધા, કૂલિંગ સિસ્ટમ હોવી જોઈએ ઉપરાંત મોટું ચાફ કટર, મિલ્કિંગ પાર્લર, જરૂરિયાત મુજબ પશુપાલનનું સારું જ્ઞાન ધરાવતાં માણસો, તમારા પશુઓ માટે એક નક્કી(વારંવાર બદલાય નહિ) પશુ ચિકિત્સક, અને જો તમે ઉત્પાદિત દૂધ સિધુ મોટી ડેરીને વેચવા માંગતા હોય તો B.M.C મશીન પણ ખરીદવું પડશે.
મોટા પાયે ડેરી ફાર્મિંગ શરૂ કરવા તમારી પાસે મેનેજમેન્ટ સ્કિલ હોવી ખૂબ જ અગત્યનું છે કેમકે અહીં મશીનરીથી કામ ઓછું થઈ જશે પણ યોગ્ય મેનેજમેન્ટ આવશ્યક બની જાય છે.
પશુ પસંદગી
ડેરી ફાર્મિંગના વ્યવસાયમાં યોગ્ય જાતનું પશુ પસંદ કરવુ એ ખૂબ જ મહત્વનું પગલું છે, કારણ કે પશુપાલનના ધંધામા નફાનો આધાર પશુ પર જ રહેલો છે. તમે વાતાવરણ અને અન્ય પરિબળો ધ્યાને લઇ નીચેની જાતો પસંદ કરી શકો છો.

ગાયોની મુખ્ય નસ્લો (જાતો):
સાહીવાલ (Sahiwal):
- દૂધ ઉત્પાદન ક્ષમતા: રોજનું અંદાજે ૧૦ થી ૧૨ લીટર દૂધ આપે છે. જો સારસંભાળ અને ઉત્તમ ખોરાક આપવામાં આવે તો દરરોજનું ૨૦ લીટર દૂધ પણ આપે છે
વેતર કાળ દરમિયાન 2500 થી 3500 લીટર દૂધ આપે છે. - દૂધની ગુણવત્તા (Fat): સાહીવાલ ગાયના દૂધમાં ૪.૫% થી ૫.૫% સુધીના ફેટ (Fat) જોવા મળે છે, જે ગાયોની અન્ય નસ્લો (જેમ કે HF કે જર્સી) કરતાં ઘણું વધારે છે. આ સિવાય તેનું દૂધ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.
- ગરમી સહન ક્ષમતા: ગુજરાતના ઉનાળાની આકરી ગરમી (૪૦°C થી વધુ તાપમાન)પણ આ ગાય સહન કરી શકે છે તેથીદૂધ ઉત્પાદન પર પણ ખાસ કોઈ ખરાબ અસર પડતી નથી.
ગીર
- દૂધ ઉત્પાદન ક્ષમતા: સામાન્ય અને પરંપરાગત પદ્ધતિથી ગીર ગાય રાખવામાં આવે તો ગીર ગાય રોજનું અંદાજે ૮ થી ૧૨ લીટર દૂધ આપે છે. જો શુદ્ધ જાતિની ગીર ગાય હોય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખોરાક-માવજત આપવામાં આવે, તો તે રોજનું ૧૫ થી ૨૦ લીટર કે તેનાથી પણ વધુ દૂધ આપી શકે છે.
- એક વેતરનું દૂધ: એક વ્યાંત (વેતર) દરમિયાન તે સરેરાશ ૨૦૦૦ થી ૩૦૦૦ લીટર દૂધ આરામથી આપે છે.
- દૂધની ગુણવત્તા (Fat & SNF): ગીર ગાયના દૂધમાં ૪.૫% થી ૫.૦% સુધીના ફેટ (Fat) અને ખૂબ જ સારું SNF નું પ્રમાણ મળે છે. ગીર ગાયનું દૂધ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જેના ઘી અને દૂધની માર્કેટમાં (ખાસ કરીને શહેરોમાં) ખૂબ માંગ રહે છે.
- ગરમી સહન ક્ષમતા: આ ગાય ગુજરાતની ઉનાળાની કાળઝાળ ગરમી, અને ગમે તેવા વિષમ વાતાવરણને ખૂબ જ સરળતાથી સહન કરી શકે છે.
HF
- દૂધ ઉત્પાદન ક્ષમતા: સામાન્ય સંભાળમાં પણ આ ગાય રોજનું અંદાજે ૨૦ થી ૩૦ લીટર દૂધ આપે છે. જો ખૂબ સુવિધા યુક્તફાર્મ અને ઉત્તમ ખોરાક હોય, તો તે રોજનું ૪૦ થી ૫૦ લીટર સુધી પણ દૂધ આપી શકે છે.
- દૂધની ગુણવત્તા (Fat): HF ગાયના દૂધમાં ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું, અંદાજે ૩.૨% થી ૩.૮% જ હોય છે. દૂધ એકદમ પાતળું હોય છે, જેથી સ્વાદમાં થોડું નીરસ લાગે.પરંતુ મીઠાઈઓમાં સૌથી વધુ આ દૂધ જ વપરાય છે.
- ગરમી સહન ક્ષમતા: તે ગરમી સહન કરી શકતી નથી. ગુજરાતના ઉનાળાના વાતાવરણમાં તેને રાખવા માટે શેડમાં પંખા, ફોગર્સ કે કૂલિંગ સિસ્ટમ ફરજિયાત જોઈએ, નહીં તો તે બીમાર પડી જાય છે અથવા દૂધ ઘટી જાય છે અને દૂધ ઉત્પાદનમાં માંઠી અસર થાય છે.
જરસી ગાય
- દૂધ ઉત્પાદન ક્ષમતા: આ ગાય રોજનું સરેરાશ ૧૫ થી ૨૨ લીટર દૂધ આપે છે. ઉત્તમ સારવાર હોય તો દિવસનું સરેરાશ 30 લિટર સુધી દૂધ આપે છે.
- દૂધની ગુણવત્તા (Fat): વિદેશી નસ્લોમાં જર્સી ગાય એ વધુ દૂધ સાથે વધુ ફેટ આપતી નસલ છે. તેના દૂધમાં ૪.૫% થી ૫.૫% સુધીના ફેટ મળે છે અને દૂધ ઘાટું અને પીળાશ પડતું હોય છે.
- ગરમી સહન ક્ષમતા: જરસી ગાય ગુજરાતના વાતાવરણ માટે અનુકૂળ છે.
HF/જરસી ક્રોસ
HF કે જરસી ગાય સાથે અહીંની નસલની ગાયનું ક્રોસ કરી તૈયાર કરેલ નસલની ગાય ઉત્તમ પરિણામો આપી શકે છે.
આ ક્રોસ-બ્રિડ ગુજરાતના વાતાવરણ માટે પણ અનુકૂળ રહે છે અને દૂધ ઉત્પાદનમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
ભેંસોની મુખ્ય નસ્લો (જાતો):
જાફરાબાદી (Jafrabadi)
- દૂધ ઉત્પાદન ક્ષમતા: સામાન્ય સંભાળમા આ ભેંસ રોજનું અંદાજે ૧૦ થી ૧૪ લીટર દૂધ આરામથી આપે છે. જો તેની ઓલાદ શુદ્ધ હોય અને વૈજ્ઞાનિક અભિગમથી ઉત્તમ ખાણ-દાણ તેમજ લીલો-સૂકો ચારો આપવામાં આવે, તો તે રોજનું 25 લીટર સુધી દૂધ આપી શકે છે.
- દૂધની ગુણવત્તા (Fat & SNF): જાફરાબાદી ભેંસના દૂધમાં ફેટ (Fat) નું પ્રમાણ અન્ય નસલોની ભેંસો કરતાં વધુ જોવા મળે છે, જે અંદાજે ૮.૫% થી ૧૩.૦% જેટલું હોય છે. કેટલીક ઉચ્ચ ગુણવત્તાવાળી ભેંસોમાં ફેટનો આંકડો ૧૩% ને પણ પાર કરી જાય છે. આ સાથે તેમાં SNF નું પ્રમાણ ૯.૦% થી ૯.૫% ની આસપાસ રહે છે, જેથી ડેરીના રેટ ચાર્ટ મુજબ સૌથી ઊંચા ભાવ મળે છે.
- વાતાવરણ સહન કરવાની ક્ષમતા: આ ભેંસ મૂળ ગુજરાતની હોવાથી ગુજરાતની આકરી ગરમી ખૂબ જ સારી રીતે સહન કરી શકે છે. શરીર મજબૂત હોવાથી રોગ પ્રતિકારક શક્તિ અદભુત છે, પરંતુ શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે ફોગર સિસ્ટમ અથવા ખાડા-તળાવની વધુ જરૂર પડે છે.
મહેસાણી (Mehsani)
- દૂધ ઉત્પાદન ક્ષમતા: સામાન્ય સંભાળમાં મહેસાણી ભેંસ રોજનું સરેરાશ ૧૦ થી ૧૩ લીટર દૂધ આપે છે. ઉત્તમ સંચાલન અને સંતુલિત આહાર સાથે તે રોજનું ૧૫ થી ૨૦ લીટર દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે.
- દૂધની ગુણવત્તા (Fat & SNF): મહેસાની ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ સ્થિર અને નિયમિત હોય છે, જે સરેરાશ ૭.૦% થી ૮.૫% ની વચ્ચે રહે છે. મહેશની ભેંસનું દૂધ ઘાટું હોય છે અને દૂધમાં SNF નું પ્રમાણ ૯.૦% થી ૯.૨% સુધી હોય છે.
- વાતાવરણ સહન કરવાની ક્ષમતા: ગુજરાતના વાતાવરણમાં ઉછરેલી આ નસલ ગરમી અને ઠંડી બંને ઋતુમાં દૂધ ઉત્પાદન ક્ષમતામાં ખાસ ફરક પડતો નથી.
સુરતી (Surti)
- દૂધ ઉત્પાદન ક્ષમતા: આ ભેંસ કદમાં નાની હોય છે જેથી દૂધનું પ્રમાણ પણ મધ્યમ રહે છે. સામાન્ય સાચવણમાં તે રોજનું અંદાજે ૭ થી ૯ લીટર દૂધ આપે છે. જો તેને સારો ખોરાક આપવામાં આવે તો તે રોજનું ૧૧ થી ૧૫ લીટર સુધી દૂધ આપી શકે છે.
- દૂધની ગુણવત્તા (Fat & SNF):સુરતી ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ ૭.૫% થી ૮.૫% સુધી રહે છે અને SNF નું પ્રમાણ ૯.૦% થી ૯.૫% જેટલું ઊંચું જોવા મળે છે. આ દૂધ ખૂબ જ ઘટ્ટ અને મીઠાશવાળું હોય છે.
- વાતાવરણ સહન કરવાની ક્ષમતા: ભેજવાળા અને ગરમ વાતાવરણ માટે આ ભેંસ સર્વશ્રેષ્ઠ છે. નાના પશુપાલકો માટે આ નસલ આશીર્વાદરૂપ છે, કારણ કે તે સામાન્ય કે સૂકા ઘાસચારા પર પણ સારુ દૂધ ઉત્પાદન આપે છે.
બન્ની (Banni)
- ઉત્પાદન ક્ષમતા: આ કચ્છની પ્રખ્યાત અને ખૂબ જ મજબૂત નસલ છે. સામાન્ય સ્થિતિમાં પણ આ ભેંસ રોજનું અંદાજે ૧૨ થી ૧૬ લીટર દૂધ આપે છે. જો તેને અનુકૂળ વાતાવરણ અને ઉચ્ચ ગુણવત્તાવાળો ખોરાક મળે, તો તેની દૂધ ઉત્પાદન ક્ષમતા રોજની સરેરાશ ૨૦ લીટરથી પણ વધુ છે.
- દૂધની ગુણવત્તા (Fat & SNF): બન્ની ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ સરેરાશ ૭.૦% થી ૮.૫% ની વચ્ચે રહે છે, જ્યારે તેમાં SNF નું પ્રમાણ ૯.૦% થી ૯.૫%
સુધી જોવા મળે છે. બન્ની ભેંસનું દૂધ ગુણવત્તાયુક્ત અને ઘાટૂ હોય છે. - વાતાવરણ સહન કરવાની ક્ષમતા:બન્નીકચ્છના રણ વિસ્તારના વાતાવરણમાં ઉછરેલી હોવાથી આ નસલની ભેંસ સખત ગરમી અને કડક ઠંડી બંનેને આસાનીથી સહન કરી શકે છે.વિષમ વાતાવરણમાં પણ તેના દૂધ ઉત્પાદન પર કોઈ નકારાત્મક અસર થતી નથી.
પશુ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો

- ઉંમર અને વેતર: પશુ સાવ નાનું કે બહુ ઘરડું ન હોવું જોઈએ. આદર્શ રીતે ૨ થી ૩ વર્ષની ઉંમરનું અને પહેલા વેતરમા (પ્રથમ વ્યાંત) હોય એવું પશુ ખરીદવાનો આગ્રહ રાખવો, જે પહેલી વાર બચ્ચું (વાછરડું કે પાડું) આપવા માટે તૈયાર હોય તેવું પશુ પસંદ કરવાથી પશુ લાંબો સમય દૂધ આપે છે.
- રસીકરણ (રોગ માહિતી): પશુને કોઈ રોગ કે ખોડખાંપણ નથી ને, તે બરાબર જોઈ લેવું. એને કઈ-કઈ રસીઓ (જેમ કે ખરવા-મોવાસાની રસી) મુકાવેલી છે, તેની પાકી પૂછપરછ કરી લેવી.
- દૂધનો હિસાબ-કિતાબ (દોહવાનો રેકોર્ડ): પશુ ખરેખર કેટલું દૂધ આપે છે, તેની સાચી ક્ષમતા જાણવા માટે આગલા માલિક પાસેથી એના દૂધના સાચા આંકડા જાણી લેવા. અથવા તો આપણી નજરે બે-ત્રણ ટંક દૂધ દોહીને ખાતરી કર્યા પછી જ સોદો કરવો, જેથી કરીને પછીથી પસ્તાવો ન થાય.
કેટલશેડ

ફાર્મ માટે શેડનું નિર્માણ કરતી વખતે ઘણા મહત્વના પાસાઓ પર વિચાર કરવો પડે છે. દરેક પશુ માટે આશરે ૪૦ થી ૫૦ ચોરસ ફૂટ જગ્યાની જરૂરિયાત હોય છે. શેડનું તળિયું (ફ્લોરિંગ) ઢાળવાળું અને સિમેન્ટનું બનેલું હોવું જોઈએ, જેથી સાફ-સફાઈ કરવામાં સરળતા રહે. છત માટે એસ્બેસ્ટસ (સિમેન્ટના પતરાં) અથવા ટીનના પતરાંનો ઉપયોગ કરી શકાય છે, જે પશુઓને ગરમીથી બચાવવામાં મદદ કરશે.
પશુઓ માટે સંતુલિત આહાર (ખોરાક):
પશુઓ માટે સંતુલિત આહારની વ્યવસ્થા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

- દૂધ આપતી તંદુરસ્ત ગાય માટે (રોજનો ખોરાક):
- લીલો ચારો: ૨૫ થી ૩૦ કિલોગ્રામ
- સૂકો ચારો: ૫ થી ૭ કિલોગ્રામ
- દાણ મિશ્રણ (ખાણ): ૩ થી ૪ કિલોગ્રામ
- દૂધ આપતી ભેંસ માટે (રોજનો ખોરાક): ભેસોને ગાય કરતાં થોડા વધારે આહારની જરૂર હોય છે –
- લીલો ચારો: ૩૦ થી ૩૫ કિલોગ્રામ
- સૂકો ચારો: ૬ થી ૮ કિલોગ્રામ
- દાણ મિશ્રણ (ખાણ): ૪ થી ૫ કિલોગ્રામ
નાણાકીય આયોજન અને નફાકારકતાનું વિશ્લેષણ

શરુઆતી રોકાણ
એક નાના પાયાનું (૫ ગાયોનું) ડેરી ફાર્મ શરૂ કરવા માટે શરૂઆતમાં કેટલો ખર્ચ (રોકાણ) થઈ શકે, તેની માહિતી નીચે મુજબ છે
- ૫ ગાયોની ખરીદી-૩,૦૦,૦૦ થી ૪,૦૦,૦૦
- શેડનું બાંધકામ-૭૫,૦૦ થી ૧,૦૦,૦૦
- જરૂરી સાધનો (ઇક્વિપમેન્ટ)-૩૫,૦૦ થી ૫૦,૦૦
- ચારો અને ખાણદાણ-૨૫,૦૦ થી ૫૦,૦૦
- ડૉક્ટરી તપાસ અને રસીકરણ-૫,૦૦ થી ૧૦,૦૦
કૂલ શરુઆતી રોકાણ: 5 પશુથી ડેરી ફાર્મ શરૂ કરવા અંદાજીત કૂલ ખર્ચ ૪,૪૦,૦૦૦ થી ૬,૦૦,૦૦૦ જેટલો થશે.
માસિક ખર્ચ
- પશુ આહાર-૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦
- દોક્ટર ખર્ચ-૧,૦૦૦ થી ૧,૫૦૦
- અન્ય ખર્ચ-૧,૦૦૦
- કૂલ માસીક ખર્ચ ૧૭,૦૦૦ થી ૨૨,૫૦૦
કૂલ માસીક આવક
- એક પશુ દીઠ સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન ૮ લિટર
- ૫ પશુનુ સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન ૫*૮=૪૦ લિટર
- માશિક દૂધ ઉત્પાદન ૪૦*૩૦=૧૨૦૦ લિટર
- ૧ લિટરની કિંમત ૪૦ રૂ!
- માસિક કૂલ આવક ૪૦*૧,૨૦૦=૪૮,૦૦૦
- અનુમાનિત માસિક ચોખ્ખો નફો
- ૨૫,૫૦૦ થી ૩૧,૦૦૦
૪૮,૦૦૦(આવક)-૨૨,૫૦૦(જાવક મહત્તમ)=૨૫,૫૦૦
૪૮,૦૦૦(આવક)-૧૭,૦૦૦(જાવક ન્યૂનતમ)=૩૧,૦૦૦
ડેરી વ્યવસાયમા સફળ થવા માટે કેટલાક પાયાના સિધ્ધાંતોનુ પાલન કરવુ જરૂરી છે, જેમ કે પશુપાલન લક્ષિ તાલિમ કર્યક્રમોમા જોડાતા રહેવુ, ધિરજ રાખવી કેમ કે શરુઆતના ૬ મહિના જેટ્લો સમય પડકારજનક હોઇ શકે છે.પશુપાલનમા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવો અને હમેશા તમારા વિસ્તારના પશુપાલકો સાથે સમ્પર્કમા રહેવુ અને તેમનિ પાસેથી શિખતા રહેવુ.
ખાસ સલાહ
હંમેશા નાના સ્તરેથી જ ડેરી ફાર્મની શરુઆત કરવી.પશુઓની સમ્ભાળ દૂધ અને માર્કેટનો અનુભવ મેળવો ત્યારબાદ હળવે હળવે ધંધાનો વિસ્તાર કરો અને પશુ વધારો.
યાદ રાખો સફળતા રાતોરાત મળતી નથી, પરંતુ જો યોગ્ય વ્યવસ્થા સાથે પુરતુ ધ્યાન આપશો, તો આ દૂધનો ધંધો ખૂબ મોટો નફો આપતો ધંધો છે.
